અગડમ્ બગડમ્- બાબા આદમ
દેશનો ચાર હજાર ગણી સ્પીડે વિકાસ સાધવાનો છે એટલે સમગ્ર દેશને બહુમુખી પ્રતિભાસંપન્ન બનાવવો બહુ જરુરી છે
સરકારે નવો આદેશ બહાર પાડયો. દેશાનો પાછલાં ૪૦૦ વર્ષમાં થયો હોય તેના કરતાં ચાર હજાર ગણી સ્પીડે આપણે વિકાસ સાધવાનો છે. તેના માટે સમગ્ર દેશને બહુમુખી પ્રતિભાશાળી બનાવવો જરુરી છે. આથી સૂચના આપવામાં આવે છેે કે હવે પછીથી દરેક પ્રકારની નોકરી અને વ્યવસાયની મુદ્દત ચાર વર્ષની જ રહેશે. જેમ જીવનમાં ચાર આશ્રમ છે, ચાર પુરુષાર્થ છે તેમ દર ચાર વર્ષે ફરજિયાત સૌ કોઈએ પોતાનું કામ બદલવું પડશે અને એક જ કામ બીજીવાર રિપીટ કરી શકાશે નહીં. મહાત્મા ગાંધીએ સર્વોદયનો દરેક કામના એકસમાન વેતનનો ખ્યાલ આપ્યો હતો. આપણે એકસમાન વેતન નહીં પણ લોકો આ રીતે દરેક કામને એક સરખું સન્માન આપતા થઈ જશે.
આ આદેશ પ્રગટ થતાં કેટલાક ફિલ્મ કલાકારો સૌથી પહેલા રાજી થયા. હાશ, હવે આપણે કાયદેસર રીતે ઈતિહાસ શિક્ષક બની શકશું. ઈતિહાસ શિક્ષક તરીકે ચાર વર્ષ પૂરાં થાય પછી ફિઝિક્સ ટીચર બનીશું. આપણાથી વધારે સારા ફિઝિક્સના નિયમો કોણ જાણે ? એ પછી નેતાગીરીમાં ઝંપલાવીશું, તે પછી ગુટખા કંપનીના સેલ્સમેન બની જશું. રોજગારની ક્યાં ખોટ છે ?
તો શિક્ષકો પણ ખુશ થયા. આપણે તો આમેય વસતી ગણતરી, મેલેરિયા નિયંત્રણ, ચૂંટણી મતદાર યાદી, સરકારી પોષણ અભિયાન વગેરે એટલા બધા પ્રકારની નોકરીઓએ એકસાથે કરીએ જ છીએ. હવે તેમાંથી છૂટકારો મળશે. હવે એક જ સમયે એક જ નોકરી. ચાર વર્ષ શિક્ષક, ચાર વર્ષ પછી હેલ્થ કાર્ડનો સર્વે, ચાર વર્ષ પછી સોઈલ સર્વે.
બેન્કના કર્મચારી સંગઠનોએ પણ આ નિર્ણયને વધાવી લીધો. હવે ચાર વર્ષ બેન્કમાં નોકરી કરીશું, પછીના ચાર વર્ષ કોઈ ખાનગી મ્યુચ્યુલ ફંડના સેલ્સમેન તરીકે કામ કરીશું ને પછી તો કોઈ ફેક્ટરીમાં ક્યારે લંચ ટાઈમ થાય છે તેવી ટાઈમ કીપર પ્રકારની જોબ પણ મળી રહેશે. બાકી પછી તો જુદા જુદા કન્સલ્ટન્ટ તરીકે કામ કરવામાં તો ચાર-ચાર વર્ષના કેટલાય તબક્કા નીકળી જશે. પછી લોન રિકવરીનાં પણ એટલાં જ કામ છે.
નેતાઓએ સૂચન કર્યું કે રાજકારણ એક ક્ષેત્ર રાખો, પણ પછી કોર્પોરેટર, ધારાસભ્ય, રાજ્યમાં મંત્રી, કેન્દ્રના મંત્રી એવી બધી પોસ્ટને અલગ અલગ વ્યવસાય ગણજો. અમે બધા અમારી રીતે અંદરોઅંદર સેટ થઈ જશું.
જોકે કેટલાક મંત્રીઓએ તો ડાયરા કલાકાર, ગાયક, સ્ટેન્ડ અપ કોમેડિયનથી માંડીને તાત્રિક વિધિ કરતા ભૂવા સહિતના વ્યવસાયમાં ઝંપલાવવાની પોતાની ઈચ્છા પણ પ્રગટ કરી દીધી.
ડોક્ટરોએ આ નિર્ણયને આવકાર આપતાં કહ્યું કે સરકારે મેડિકલમાં અલ્ટ્રા સ્પેશિયલાઈઝેશનની નવી ક્ષિતિજો ઉઘાડી આપી છે. અત્યાર સુધી અમારામાં હાથ અને પગના ડોક્ટર અલગ અલગ હતા . હવેથી જમણા હાથના સ્પેશિયાલિસ્ટ અને ડાબા હાથના સ્પેશિયાલિસ્ટ અલગ અલગ સારવાર કરી શકશે. આજકાલ મેડિકલ વિજ્ઞાાન એટલું ઝીણવટભરી રીતે આગળ વધ્યું છે કે અમે તો દરેક ચાર વર્ષ દરમિયાન દરેક આંગળીના સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરવા તૈયાર છીએ. આ બાબતે ડેન્ટિસ્ટો તો હરખથી હસી પડયા. કહે અમે તો બત્રીસીના એક એક દાંત ગણીએ તો તો આયખું ઓછું પડશે.
કેટલાક તલાટીઓએ કહ્યું કે અમે પેપર ફોડાવી ને પાસ થઈને તલાટી બન્યા છીએ. એટલે અમારે તો ચાર વર્ષ પછી પ્રિન્ટિંગ પ્રેસનો, ઝેરોક્સનો , શ્યોર સજેશનનો અને ટ્રેનિંગ ક્લાસનો ધંધો પાકો જ છે.
પોલીસ અધિકારીઓ ખાનગીમાં કહે આ સરકારે હવે નવો નિયમ બનાવ્યો એટલે આપણે ચાર વર્ષે અલગ અલગ કામ કરીશું . બાકી, આપણે તો અત્યારથી જ પોલીસ કમ બિલ્ડર કમ કોન્ટ્રાક્ટર કમ પ્રોપર્ટી ડિસ્પ્યુટ કન્સલટન્ટ કમ ફાર્મ હાઉસ ઓનર કમ પેટ્રોલપંપ સંચાલક કમ કંપની ડિરેક્ટર એવા કેટલા બધા રોલ એકસાથે ભજવીએ જ છીએને. સારું છે કે આપણી બહુમુખી પ્રતિભાઓની હવે સૌને સત્તાવાર રીતે જાણ થશે.
પણ લોચો એવો પડયો કે કેટલાક બેરોજગાર યુવકોએ દેખાવો કર્યા કે આ તો જેમની પાસે કામ છે એમની વાત થઈ. જેમની પાસે કામ જ નથી તેમના માટે ક્યાંકથી તો શરુઆત કરો.
આ માગણી ઉઠયા પછી સરકારે હાલ તુરત નવી યોજનાનો અમલ મુલત્વી રાખ્યાની અફવા ફરી વળી છે.
આદમનું અડપલું
ચાર વર્ષ મંત્રી રહ્યા પછી પાંચમા વર્ષે ગડગડિયું મળ્યું હોય તેમને કયા વીર ગણવાના છે ?
0 Comments