TICKER

6/recent/ticker-posts

પહેલે ગધે કી શાદી કરાઈ ફિર ગધી કી ગોદ ભરાઈ



- બખડજંતર-નટખટ નાગર

'જ્ઞાની સે જ્ઞાની મિલે

કરે જ્ઞાન કી બાત

ગધ્ધે સે ગધ્ધે  મિલે

કરે લાતમલાત.'

'અરે લાભુ, ગયા વખતે તે  બખડજંતરની  બેઠકમાં  તેં વાંદરાઓની  મન્કી-બાત  કરેલી,  આ વખતે આમ સાવ અચાનક  ડોન્કી-બાત કેમ કરવા માંડયો?'

'જાણે વાત એમ છે કે  દેશમાં ગર્દભોની આબાદી  ઝડપથી  ઘટવા માંડી છે એટલે  મને  ચિંતા થવા માંડી છે કે  હવે શું થશે?'

'લાભુ, ગધેડા ઓછા થતા જાય છે એમાં  વળી તને શું ચિંતા છે?'

'મને  એક જ ચિંતા  છે કે ખરેખર ખર (ગધેડા) ઘટતા જાય છે અને  ગધેડા જેવાં વધતા જાય છે.'

'લાભુ, ગર્દભોની આબાદી  કેટલી ઘટી છે?'

'હમણાં જ  એક સર્વેમાં  જાણવા  મળ્યું કે  ૨૦૧૨થી ૨૦૧૯ દરમ્યાન  ગધેડાની વસતીમાં ૬૧ ટકા  ઘટાડો  થયો છે.'

'ગધેડાની  વસ્તી ઘટવાનું  કારણ શું એ તો કહે?'

'એક કારણ છે સાક્ષરતામાં  વધારો.'

'લાભુ, શું વાત કરે છે? ગધેડા  ભણવા માંડયા?'

'અરે! માણસની સાક્ષરતામાં  વધારો  થવા માંડયો છે એટલે પ્રાણી  પાસે ભારવહન  કરાવવાનું  ટાળે  છે. બીજું ,  ગધેડાની  ગેરકાયદે કતલ અને ચરાણ માટે મેદાનની  અછત  જેવાં કારણસર ગધેડા ઘટવા માંડયા  છે.'

'લાભુ, થોડા વર્ષ પહેલાં  દક્ષિણના એક નેતાએ  ગાદી  મેળવવા ગધેડાનો  બલિ ચડાવેલો  એ સાચી વાત?'

'અરે ભાઈ, દક્ષિણમાં  તો ન થાય એટલું  ઓછું છે. ત્યાં  તો વરસાદ  ખેંચાય ત્યારે  ગધેડા-ગધેડીને ધામધૂમથી  પરણાવવામાં આવે છે.'

'શું વાત કરે છે? ખરેખર ગધેડા પરણે?'

'માણસ પરણે તો  ગધેડા  કેમ ન પરણે? ગધેડાને ખર  પણ કહે છે બરાબર? એટલે  માણસ પરણે એને કહેવાય વરરાજા અને ગધેડા પરણે એને કહેવાય ખર-રાજા.'

'લાભુ, વરસાદ ખેંચાય ત્યારે ગધેડા-ગધેડીને પરણાવવામાં  આવે  અને પછી  ધોધમાર વરસાદ તૂટી પડે અને અતિવૃષ્ટિ થાય તો?'

'ગયા વર્ષે સાઉથમાં  આવું  જ થયું.  ગધેડા-ગધેડીને પરણાવ્યાં  પછી બારે મેઘ ખાંગા થઈને  વરસ્યા. અતિવૃષ્ટિ થઈ. એટલે  પછી જે  અંધશ્રદ્દાળુઓએ  ગધેડા-ગધેડીને ધામધૂમથી  પરણાવેલા એમણે જ આ સંસાર  માંડીને  સુખેથી  જીવતા  ખરરાજા અને ખરરાણીના  છૂટાછેડા લેવડાવ્યા.'

'લાભુ, તે ગધેડા-ગધેડીનાં લગ્નની  વાત કરીને?  એટલે  મને યાદ  આવ્યું કે  થોડા વખત પહેલાં  ગધેડીની ગોદભરાઈના સમાચાર  વાંચ્યા હતા,  તને યાદ  છે?'

'ગોદ ભરાઈ એટલે  બેબી-શાવર, બરાબર?  આમ તો  બોલિવૂડની  હિરોઈનો   ગમે તેની  ગોદમાં ભરાઈને  ફરતી હોય છે,  પણ પરણીને  ઠરીને ઠામ  થયા પછી  આ  હિરોઈનોની  ગોદભરાઈ કે બેબી શાવરના ફિલ્મી સમાચારો  ઝળકતા હોય છે...   પણ ગધેડીની ગોદભરાઈની વિધિ ક્યાં થઈ હતી?'

'લાભુ, ઉપલેટામાં  થોડા વખત  પહેલાં  હાલારી  ગધેડાના  સંરક્ષણ માટે કાર્યરત  સંસ્થાએ  ગધેડીની   ગોદભરાઈનો કાર્યક્રમ યોજયો  હતો. ૨૦૧૫માં  ૧૨૦૦ હાલારી  ગધેડા  હતા જેની સંખ્યા અત્યારે  ઘટીને  માત્ર  ૩૪૯ થઈ  ગઈ છે.  એટલે  વસતી  વધારવા  પ્રયાસ તો  કરવો પડેને?'

'આ તો  ભારે કહેવાય હો?  માણસની  વસતી વધે  એની  ચિંતા  અને ગધેડાની  વસ્તી  ઘટે એની ચિંતા.'

'લાભુ, વધતી  મોંઘવારીમાં  બે  છેડા ભેગા  કરવા માટે ઊંઘું ઘાલીને  જે મહેનત   કરતા હોય  એવાં  માણસને  ગધ્ધાવૈંતરૂ કરે છે   એમ  શું કામ  કહેવાય છે?'

'તો બીજું  શું કહેવાય? ગધેડા પણ  મૂંગે  મોઢે  ભાર  જ વેંઢારતા  રહે છેને? કોઈ  ગધેડાને  એટલે ખરને તમે  ક્યારેય  'ખરે-ખર' વિરોધ કરતો જોયો છે? એટલે જેવી દશા  ખરદાતાની, એવી દશા કર-દાતાની.'

મર્દની મર્દાનગી

ખરની ખર્દાનગી

'લાભુ મારી ઘરવાળી  ભલે મારી  પાસે ગમે એટલો કામનો ઢસરડો  કરે,  પણ જ્યારે  મીઠું  મલકીને  અને લટકો  કરીને મને  કહે કે  વ્હાલા વૈશાખનંદનજી, જરા  થાક ખાઈ લો, ત્યારે વહુના  આ મધમીઠા  સંબોધનથી  મારો  બધો થાક  ઉતરી જાય  છે, બોલ!'

'હે ભગવાન, વૈશાખનંદન એટલે શું  ખબર છે? ગધેડો. તારી ઘરવાળી મધમીઠું  સંબોધન  કરી તારી પાસે  ગધ્ધાવૈંતરૂ કરાવે  છે એનું ભાન છે?'

'લાભુ, શું વાત  કરે છે?  પોતાના વરને  ખરના નામે  સંબોધે છે ઘરવાળી?  હવે હું  પણ  એને ઘરવાળી નહીં ખરવાળી જ કહીશ, જોજે.'

'તને ખબર છે, વર્ષો પહેલાં  ગામમાં સરકસ આવેલું?  એ સરકસમાં  વજનદાર  સામાનની હેરફેર કરવા  એક ગધેડો   રાખેલો . સરકસનો  માલિક  ગધેડા પાસે  તનતોડ  મહેનત કરાવે અને  રોજ ડફણાં મારી ચામડી  ઉતરડી નાંખે.'

'લાભુ, આટલો  અત્યાચાર  સહન  કર્યા છતાં એ  ગધેડો  ભાગી  કેમ નહોતો  જતો?'

'ગર્દભ  એટલે ખરની ભાષા  જાણતા  એક 'પ્ર-ખર' ભાષાશાસ્ત્રીએ આ જ  સવાલ પૂછ્યો કે તું સાવ ગધેડા જેવો  જ છે.  આટલો ત્રાસ  સહન કરીને  શું કામ  કમરતોડ  મહેનત કરે છે?'

'લાભુ, ગધેડાએ શું જવાબ  આપ્યો?'

'ગધેડો ધીરેકથી બોલ્યો કે  જુઓ, ઝુલા પર  અવનવા ખેલ  કરતી  સહુથી સુંદર  યુવતી છેને એ સરકસના  માલિકની  દીકરી  છે. માલિક તેની દીકરીને ટ્રેનિંગ  આપતી વખતે કાયમ  ચેતવણી  આપે છે કે  ઝૂલાના  ખેલ કરવામાં  જરાક પણ ભૂલ કરીશને તો  આગધેડા  સાથે પરણાવી  દઈશ.બસ, એટલે જ હું  મૂંગામોઢે  ત્રાસ સહન  કરું છું કે ક્યારેક તો  એ ભૂલ કરશેને!'

'લાભુ, આપણે બધા પણ અચ્છે દિન  આયેંગે... અચ્છે  દિન આયેંગે એવી  આશામાં ને આશામાં   ગધ્ધાવૈંતરૂ  કર્યા કરીએ  છીએને? 

'મને તો  મર્દની  મર્દાનગી  નહીં પણ  ખરની ખર્દાનગીની વાત સાંભળી હિન્દી કવિ  ઓમપ્રકાશ આદિત્યની  પંક્તિઓ  યાદ આવે છેઃ

ઈધર ભી ગધે હૈ

ઉધર ભી ગધે હૈ

જીધર દેખતા હું  ગધે હી ગધે હૈ

ગધે હંસ રહે હૈ

આદમી  રો રહા હૈ

હિન્દોસ્તાં  મેં યે  કયા હો રહા  હૈ.'

જાતવાન ઘોડા

લાતવાન ગધેડા

'લાભુ, ચૂંટણી વખતે ઉમેદવારોનું  ખરીદ-વેચાણ થાય એને અંગ્રેજીમાં શું કહેવાય?'

'ચૂંટણી વખતે  ઊંચી ઊંચી રકમ આપીને મત ખાતર જે ખરીદ-વેચાણ કે સોદાબાજી  થાય તેને  અંગ્રેજીમાં  હોર્સ ટ્રેડિંગ કહેવાય.'

'લાભુ, હોર્સ-ટ્રેડિંગ શબ્દ કેંમ  વપરાતો હશે?' 

'સાંભળ, વાહન કેટલું શક્તિશાળી છે એનું માપ હોર્સ-પાવરથી  કાઢવામાં આવે  છે બરાબર? '

'લાભુ, એમ તો ગધેડાની પણ  સોદાબાજી  થાય જ છેને?'

'તારી વાત સાચી, હો? ગુજરાતના વૌઠામાં, રાજસ્થાનમાં  અને ઉજ્જેનમાં  દર વર્ષે  ગધેડાનો  મેળો  યોજાય છે. એમાં  ઊંચા ઊંચા  ભાવે  ગધેડાનું વેચાણ થાય છે.'

'લાભુ ,અશ્વશક્તિ કે હોર્સપાવરની જેમ  ગદર્ભશક્તિને અંગ્રેેજીમાં શું કહેવાય? ડોન્કી-પાવર?'

'મેં એવું સાંભળ્યું  છે કે  ઘોડા  જાતવાન હોય તો  એનાં ઊંચા ભાવ બોલાય અને ગધેડા  લાતવાન  હોય તો તેના ઊંચા  ભાવ બોલાય.'

'લાભુ, ગધેડાના  મેળામાં  ગધેડા  ગધેડીને  શણગારવામાં   આવે છે અને એને  નેતા-અભિનેતાના  નામ પણ આપવામાં આવે  છે, બોલ.'

'હે ભગવાન , આ  નામકરણવાદીઓ   નામ  આપવામાંથી  ગધેડાને  પણ નહીં છોડે.'

'લાભુ, કોરોના પહેલાં નાશિક ગયો હતો  ત્યાં ગોદાવરી  નદીના કાંઠે   લગભગ  વીસેક  ગધેડાને   ઘસીઘસીને  ચાર  પાંચ જણ  નવડાવતા હતા અને  લાલ રંગની  ચોકડીનું નિશાન   કરતા હતા.  મને થયું કે આ  ગધેડાનું  બ્યુટીપાર્લર ખૂલ્યું છે કે  શું?  એટલે એકને પૂછ્યું કે  ગધેડાને  નવડાવી  એની પીઠ પર લાલ રંગની  ચોકડીનું  નિશાન કેમ  કરો છો? ત્યારે તેણે  જવાબ  આપ્યો  કે નજીકમાં ગધેડાનો  મેળામાં  બદલાઈ ન જાયને એટલે  ચોકડીનું  નિશાન કરીએ છીએ.'

'આપણે  અગાઉ ચોકડીનું નિશાન કરીને જેને મોકલતા એમાંથી કેટલા બધા  બદલાઈ જતા?'

ફન કી બાત

સઃ જાતવાન ગધેડાને એક શબ્દમાં  શું કહેવાય?

જઃ ખર-ખરો.

Post a Comment

0 Comments