TICKER

6/recent/ticker-posts

મેઘરાજા ક્યાં છુપાયા ?.



આર્દ્રા નક્ષત્રનો આરંભ થયો છે એ આનંદની વાત છે છતાં સમગ્ર દેશમાં ચોમાસુ ધીમું પડયું છે, એને કારણે કિસાનોમાં ચિંતાનું વાતાવરણ છે. પૂર્વ ભારતમાં હજુ પણ વરસાદી વાદળો છવાયેલાં છે અને બ્ર્રહ્મપુત્ર નદી જે દર વર્ષે ભરચોમાસે પાગલ થતી હોય છે તે આ વખતે બહુ વહેલા તોફાની બની ગઈ છે. આસામના મોટાભાગના વિસ્તારોમાં જળ પ્રલયની પરિસ્થિતિ છે. સરકારનાં હેલિકોપ્ટરો કાઝિરંગા નેશનલ પાર્ક ઉપર ઉડી રહ્યાં છે, પરંતુ ત્યાં ફસાયેલાં પ્રાણીઓને ઉગારવા માટે સરકાર ખુદ નિઃસહાય હોય એવી પરિસ્થિતિ છે. આવું વારંવાર થાય છે, છતાં હજુ સુધી સરકાર કાયમી ઉપાય શોધી શકી નથી. આ વખતે દેશના મીડિયામાં સેનાથી શિવસેના સુધીના અનેક પ્રશ્નો છવાયેલા હોવાથી આસામને પૂરતું કવરેજ મળ્યું નથી. એને કારણે ત્યાં નાગરિકોની જે પરિસ્થિતિ છે એનાથી શેષ ભારત હજુ વાકેફ નથી. આટલી જ તબાહી જો મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશમાં થઈ હોત તો પુર રાહતના ધમધોકાર કામ શરૂ થઈ ગયા હોત. રાજ્ય તરીકે કે મનુષ્ય તરીકે નાના હોવું એ ભારતમાં સૌથી મોટી આપત્તિ છે

ચોમાસુ ધીમું પડયું છે, પરંતુ એનો અર્થ એ નથી કે આકાશમાં વરસાદનાં વાદળો નથી. કર્ણાટક અને કેરળથી દૂર અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ અત્યારે સેટેલાઇટ નકશામાં દેખાય છે, જે આવનારા બે-ત્રણ દિવસમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર પર ધોધમાર વરસાદ તાણી લાવશે. ઉપરાંત એ જ હવાનું હળવું દબાણ ઉપર આવતા દક્ષિણ ગુજરાતને સ્પર્શ કરશે અને ત્યાં પણ ધોધમાર વરસાદ આવશે. અત્યારે ઉત્તર ભારત ચૈતર-વૈશાખના ધોમ ધખતા હોય એટલી ગરમીનો અનુભવ કરે છે. ગુજરાતમાં ચોમાસાની ફરી જમાવટ તારીખ ૮મી જૂન પછી થશે. તો પણ એ પહેલા અરબી સમુદ્રના પ્રભાવથી પ્રચ્છન્ન વરસાદ તો રહેશે. જેમણે વાવણી કરી દીધી છે એમને ટેકો મળી જાય એવી સંભાવના છે. જેમણે પોતાના પાકને એકાદ-બે પાણ પાવામાં એટલે કે થોડી સિંચાઈ કરી લેવામાં વાંધો નથી એને તો કોઈ તકલીફ જ નથી. આ વખતે જેને વરસાદ પહેલાની ઝલક કહેવાય એટલે કે પ્રિ-મોન્સૂન શાવર એના નિયત સમયપત્રક કરતાં મોડા હતા અને એને કારણે જ અસલી ચોમાસુ પણ થોડું વિલંબિત છે.

બંગાળના અખાત પર આકાર લેતા વાતાવરણનો જે લાભ પૂર્વ ભારતથી શરૂ કરીને મધ્ય અને પશ્ચિમ ભારતને તથા પાકિસ્તાન સુધી મળતો રહ્યો છે તેમાં આ વખતે હિમાલયન પવનોએ દિશા બદલતા ચિત્ર બદલાયું છે. શ્રીલંકાથી બંગાળના અખાત સુધીના દરિયા પર વરસાદી પવનોએ એકચક્રી શાસન કર્યું છે. બંગાળના અખાતમાંથી સર્જાયેલાં વાદળોના ઘટાટોપ સમૂહને ભારતના મધ્ય પટ્ટામાં વહેતા કરવા માટે પૂર્વથી પશ્ચિમ તરફનો પવન જરૂરી હોય છે, પરંતુ ગુજરાતમાં રોજ સાંજે પ્રજાને અનુભવ થાય છે તેમ પવન હમણાંથી પડી જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. આસામ ઉપર પણ પવન સ્થિર થઈ જતા અને હિમાલયન પવનો ઇશાન દિશાથી ગુજરાત તરફ જવાને બદલે પૂર્વ તરફ ફંટાયા છે, એટલે બંગાળના અખાત ઉપરનો ચોમાસાનો પ્રથમ રાઉન્ડ એકસાથે આસામમાં વરસી પડયો છે. જેનો ભારતના અન્ય રાજ્યોને લાભ મળ્યો નથી અને આસામમાં જળ પ્રલય થઈ ગયો છે

ગુજરાતમાં લીંબુના ભાવ એક કિલોના ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આજે યાર્ડમાં એટલા જ રૂપિયામાં લીંબુ એક મણ મળે છે. ઉનાળાની વિદાય અને ચોમાસાના પ્રવેશનો આ સંકેત છે. પહેલેથી જ નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ વખતે વરસ સારું છે, પરંતુ ખંડવૃષ્ટિ ધરાવે છે. એટલે કે વરસાદમાં અત્યાર જેવો વચ્ચે-વચ્ચેનો અંતરાય આવવાનો નિશ્ચિત છે. જે કિસાનો પાસે થોડી ઘણી પિયતની વ્યવસ્થા હશે તેને માટે આ ચોમાસુ સોળ આની નીવડશે, પરંતુ એ નહીં હોય ત્યાં બાર આની જેવો વરતારો રહે છે. ગુજરાતમાં ખેડૂતોએ મગફળી અને કપાસના વાવેતર શરૂ કરી દીધાં છે. કપાસ વાવવામાં કિસાનોએ થોડી ઉતાવળ કરી છે. રાજ્યમાં છ લાખ હેક્ટરમાં કપાસની વાવણી પૂરી થઈ ગઈ છે. આને કિસાનો વાવેતર અરધે પલ્લે પહોંચ્યું એમ કહે છે. વરસાદ અટકી જતાં બાકી રહેલા વાવેતરો પણ અટકી ગયાં છે
ગુજરાતમાં સરેરાશ વાદળછાયું વાતાવરણ છે અને હવામાં ભેજનું પ્રમાણ પૂરતું છે એટલે કિસાનોએ બીજી વખત વાવણી કરવાનો વારો નહીં આવે. જે રીતે છુટક છુટક વરસાદ આવે છે તે જોતાં ખરે સમયે પાકને પ્રારંભિક ઉછેરવેળાનો વરસાદ મળી રહેશે. જેટલો વિલંબ અત્યારે દેખાય છે એટલો બસ છે. મેઘરાજાનો આનાથી વધુ વિલંબ કિસાનો વેઠી શકે એમ નથી. 

Post a Comment

0 Comments