TICKER

6/recent/ticker-posts

ઊંચા શિખરોને આંબતા અને આકાશી સફર કરાવતા રોપ-વેની રોમાંચક યાત્રા



- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- દેશમાં શરૂ થયેલાં પ્રથમ ત્રણેય રોપવે મસૂરી, નૈનીતાલ અને હરદ્વાર ઉત્તર ભારતમાં આવેલાં હોવાથી રોપ-વેનું હિંદી નામ 'ઉડણ ખટોલા' પડી ગયું.

વા દળોથી વાતો કરતા ગિરનારના વખાણ આપણે બહુ સાંભળ્યા છે. પરંતુ હવે એમ પણ કહી શકાય કે ગિરનાર પર્વત જોવા જનારા યાત્રીઓ પણ વાદળો સાથે વાત કરવાનો લહાવો લઈ શકશે. અલબત્ત, ઉડણ ખટોલામાં બેસીને. થોડા સમય પૂર્વે શરૂ થયેલો ગુજરાતનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર તો બન્યો જ છે, પરંતુ સત્તાવાળા માટે પણ કમાઉ દીકરો સાબિત થયો છે.

ઓક્ટોબર ૨૦૨૦માં શરૂ કરાયેલા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનો અત્યાર સુધી ૧૧ લાખ યાત્રીઓ લાભ લઈ ચૂક્યા છે. જેને કારણે ગુજરાત ટુરિઝમ વિભાગને ૫૬ કરોડ રૂપિયાની  આવક થઈ છે.

વિશ્વમાં અનેક દુર્ગમપહાડો, ગીરી મથકોનું કુદરતી સૌંદર્ય માણવા માટે રોપવેની ટ્રોલી એક અનન્ય વિકલ્પ છે. ઊંચા આકાશમાં મજબૂત તારનાં દોરડાં (કેબલ) પર સરકતી ટ્રોલીમાં બેસીને ચોમેર નિસર્ગનું વિહંગાવલોકન કરવું એ એક અનેરો લહાવો છે.

વિમાનની શોધ કરીને ગગનવિહાર કરવાનો શોખ માનવીએ પૂરો કર્યો, પણ વિમાનમાં ઊડતા હોઈએ ત્યારે તેનાં બારી-બારણાં બંધ હોય. ઊંચે આકાશમાં ઊડતી વખતે ખુલ્લું આસમાન, અફાટ ધરતી અને આસપાસનું કુદરતી સૌંદર્ય માણતાં ખુલ્લી હવાનો આહ્લાદક લહાવો વિમાનમાં મળતો નથી. આવો અનુભવ લેવો હોય તો ઊંચા પહાર પર રોપ-વેમાં સરકવા જવું પડે. તળેટીમાંથી પહાડ પર કે બે સામસામા પર્વત વચ્ચેની દોરડા પર સરકતી યાત્રા એટલે રોપ-વેની મુસાફરી.

આજે તો હવે ઊંચાઈએ આવેલા હિલ સ્ટેશનોમાં અન્ય જોવાલાયક સ્થળોની સાથે રોપવે પણ અનેરું આકર્ષણ જમાવે છે. હરદ્વાર, નૈનીતાલ, મસૂરી, ગુલમર્ગ, પાવાગઢ, મહૂવા, દાર્જિલીંગ, રાયગઢ જેવાં અનેક સ્થળે રોપને યાત્રાળુઓને અનેરો રોમાંચ પૂરો પાડે છે. કેટલીક જગ્યાએ તો સ્થાનિક રહેવાસીઓને રોજિંદા કામકાજમાં એક જગ્યાએથી બીજા સ્થળે જવામાં પણ રોપવે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.આપણા દેશમાં નૈનીતાલ, મસૂરી, દાર્જિલીંગ અને ગુલમર્ગ ખાતેના રોપવે વર્ષોથી ટૂરિસ્ટોને પહાડી સૃષ્ટિ નિહાળવાનો અનેરો મોકો આપી રહ્યાં છે. હરદ્વાર, પાવાગઢ તથા અન્ય સ્થળોના રોપવે પાછળથી શરૂ થયા. હિલ સ્ટેશનોનાં સૌથી લોકપ્રિય બની ચૂકેલા મસૂરીમાં ગન હિલ નામની ઊંચી ટેકરી પર જવા માટેનો રોપવે ખૂબ વખણાયો છે. એમ તો સિમલા નજીક ટિમ્બર ટ્રેઈલ નામના સ્થળે પણ એક ખાનગી હોટલના માલિકે રોપવે શરૂ કર્યો છે. 

થોડા વરસ પૂર્વે પાવાગઢને રોપ-વે તૂટી પડયો ત્યારથી સમાજના કેટલાક આગેવાનોએ રોપ-વેની નેગેટીવ સાઈડ રજુ કરીને આ સુવિધા સાવ નિરર્થક, હાનિકારક, જીવલેણ સાબિત થાય તેવી ગાણવી છે. રોપ-વેને કારણે તીર્થસ્થળોએ રોજીરોટી કમાતા ઘોડાવાળા તથા ડોલીવાળા બેકાર બની જાય છે તેવી દલીલ આગળ ધરી રોપવે જેવી મોડર્ન સુવિધા બંધ કરી દેવાનો આગ્રહ રખાય છે. જે સદંતર ખોટો છે.

આવી ખામી ન સર્જાય, અકસ્માત ન થાય તે માટે પૂરતી કાળજી લેવાવી જોઈએ. નિયમો ઘડાવા જોઈએ. પરંતુ રોપ-વેની સિસ્ટમ જ ખોટી છે એવું વારંવાર ગાઈબજાવીને તેનો વિરોધ કરવો સરાસર ગલત છે. અકસ્માત તો કોઈપણ વસ્તુનો, ગમે તે સ્થળે થઈ શકે. બસ, મોટર, સ્કૂટરની માફક ટ્રેનને પણ અકસ્માત નડે છે. ઊડતા વિમાનો અને ધરતી પર પાછું ઊતરાણ કરી રહેલા સ્પેસ શટલ કોલંબિયાને પણ અકસ્માત નડે છે. તો પછી રોપ-વેમાં એકાદવાર ભંગાણ પડે એટલે તેને બંધ કરી દેવાની માગણી જરાય વાજબી નથી.

હરદ્વારમાં પહાડ પર આવેલા મનસાદેવીના મંદિર સુધી જવા માટે રોપવે શરૂ થયો ત્યારથી સ્થાનિક લોકોને પણ  મનોરંજનનું નવું સાધન મળી ગયું છે. અહીંના લોકોને રોપવેના અનુભવ વિશે પૂછો તો કહેશે કે 'સાહેબ, અમને તો એવું લાગે છે જાણે બે ઊંચા પર્વત વચ્ચે દોરડું બાંધી તેની સાથે લટકાવેલી ખુરશીમાં કોઈએ બેસાડી દીધા હોય.'

રોપવેને આકાશમાં હીંચકતા ઝૂલા સાથે સરખાવી શકાય. દેશમાં શરૂ થયેલાં પ્રથમ ત્રણેય રોપવે મસૂરી, નૈનીતાલ અને હરદ્વાર ઉત્તર ભારતમાં આવેલાં હોવાથી રોપ-વેનું હિંદી નામ 'ઉડણ ખટોલા' પડી ગયું.

માનવી પહાડો પર વસવાટ કરતો થયો ત્યારથી પર્વતની ઊંચાઈને આંબવા અવનવા નુસખા અજમાવતો રહ્યો છે. પિરામીડો જેવાં ઊંચા બાંધકામ માટે સદીઓ પહેલાં ઈજીપ્ત, મિસર અને ગ્રીસમાં દોરડાં-પુલીનો ઉપયોગ થતો. કુવામાંથી પાણી ખેંચવામાં દોરડા અને ગરગડીનો ઉપયોગ થાય છે.

એજ રીતે જમીન પરથી પહાડની ટોચ સુધી જરૂરી સામાન પહોંચાડવા દોરડાનો ઉપયોગ શરૂ થયો. દોરડાની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે સામાન ખસેડવાની પધ્ધતિ ૨૦૦૦ વર્ષ પહેલાં ગ્રીસ દેશમાં પ્રચલિત હતી. આ કામ માટે અમુક સ્થળે તો સાડા  ચાર માઈલ લાંબા દોરડા વપરાયા હોવાનો ઉલ્લેખ છે.એક પુરાણા શિલાલેખ પ્રમાણે ૧૬૪૪ની સાલમાં  એડમ વેબ નામના એક ડચ ઈજનેરે જમીન પરથી લાકડાં  અને અનાજ જેવી વસ્તુ પહાડ પર લઈ જવા બાલદીઓ લગાવીને રોપ-વે વાપરવાનું શરૂ કર્યું. તે વખતે રોપવે માટે શણનાં દોરડાં વપરાતાં. રોપ-વેમાં બિલાડીનાં બચ્ચાંને ઉપર મોકલ્યાં. આ બચ્ચાં હેમખેમ ઉપર પહોંચ્યા પછી એડમવેબને વિચાર આવ્યો કે વ્યવસ્થિત પ્રયાસ કરીને મજબૂત રોપ-વે બનાવવામાં આવે તો પહાડ પર જવા માટે રોપવે આદર્શ સાધન બની જાય. કમનસીબે  એડમ વેબ પોતાનું સપનું પૂરું કરે તે પૂર્વે મૃત્યુ પામ્યો.૧૮૬૦ ની સાલમાં લોખંડના તાર (કેબલ)નો ઉપયોગ શરૂ થયા પછી વધુને વધુ વજન માટે રોપ-વે સિસ્ટમ કોલસા-ખનીજની ખાણોમાં વપરાવા લાગી. છેલ્લાં  ચાર દાયકામાં તો રોપ-વેની ટેકનિકલ રચનામાં પણ ઘણાં ફેરફારો થઈ ગયા.

અત્યારે બે પ્રકારના રોપવે વપરાય છે. સિંગલ રોપવે અને ડબલ રોપવે. સિંગલ રોપવેમાં બંને બાજુના છેડે મોટા કદનાં મજબૂત ડ્રમ હોય છે. એક છેડાનું ડ્રમ ફરવા માંડતાં દોરડું તેમાં વીંટાતું જાય છે. જ્યારે સામે છેડેના ડ્રમમાં વીંટાળેલું દોરડું ડ્રમ ફરતાની સાથે ખુલતું જાય છે. આ પ્રક્રિયા દરમિયાન દોરડાં સાથે કસીને ફીટ લટકાવેલી કેબીનો એક છેડાનીથી બીજા છેડા તરફ આગળ સરકતી જાય છે. ડબલ રોપવેમાં એકના બદલે બે દોરડાના આધારે કેબીન આગળ વધે છે. એક દોરડું હંમેશાં સ્થિર રહે છે. જ્યારે બીજું દોરડું એક છેડાથી બીજા છેડે આગળ સરકે છે. આ બે દોરડાં વચ્ચે પુલી (ગરગડી)ના આધારે લટકતી કેબીન પણ દોરડાં પર આગળ સરકતી જાય છે. સિંગલ રોપવેની સરખામણીમાં ડબલ રોપવે મજબૂત અને વધુ કાર્યક્ષમ ગણાય. આ પ્રકારનાં સૌથી લાંબો રોપવે નવ માઈલની લંબાઈ ધરાવે છે. યુરોપ-અમેરિકાના તમામ  આગળ પડતા દેશો વધુને વધુ  હિલ સ્ટેશનો વિકસાવવા રોપવેની ટેકનિકનો ભરપૂર ઉપયોગ કરે છે. જે ઊંચા સ્થળે પહોંચવા રેલવે કે બીજું વાહન કામ ન લાગે તે જગ્યાએ રોપવે આદર્શ સાધન ગણાય છે. જાપાનમાં ઘણા પહાડી વિસ્તારોમાં જ્વાળામુખીને કારણે ઠેરઠેર ટેકરીઓ ફૂટી નીકળી છે. ત્યાં રસ્તા મારફતે થતી આવનજાવન કરતાં રોપવેનો ઉપયોગ વધુ સુગમ પડે છે.

કોઈપણ ઊંચાઈએ આવેલાં સ્થળને રોપ-વે વડે સાંકળી લેવા માટે બંને છેડા વચ્ચે કોઈપણ જાતનાં અંતરાય વગરનો સીધો માર્ગ હોવો જોઈએ. ઊંચા પહાડો વચ્ચે ખીણો, નદી, સરોવરો અને જંગલો પરથી પસાર થતો રોપવે બાંધતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ એકવાર પાર પાડયા પછી તેના અનેક લાભો છે.

ઘોડા કે ખચ્ચર પણ જ્યાં જઈ ન શકે તેવા પહાડી વિસ્તારોમાં રોપવેની મદદથી આદર્શ ગામડાં વિકસાવી શકાયાં છે. સ્વિત્ઝર્લેન્ડ, યુગોસ્લાવિયા, વેનેઝુએલા અને મેક્સિકોમાં રોપવેના પ્રતાપે વિકસેલાં ગામોના અસંખ્ય નમૂના જોવા મળે છે. આ રોપવેમાં  માણસો તો આવ-જા કરે જ, ઉપરાંત સામાન, શાકભાજી, અનાજ અને બીજી ખાદ્ય સામગ્રી પણ પહાડની તળેટીમાં વસેલાં શહેરાંથી પર્વત પર વસેલાં ગામમાં લઈ જવાય છે. સ્વિત્ઝર્લેન્ડમાં તો નવપરણિત યુગલ રોપવેમાં સાથે બેસવાનો આનંદ ન માણે ત્યાં સુધી તેમનું હનીમૂન અધૂરું ગણાય છે. એક સ્થળે તો રોપ-વેની કેબીનો બરાબર બંને છેડાની વચ્ચે પહોંચે પછી કેબલ કાર આગળ સરકતી અટકી જાય છે. આ વિરામ દરમિયાન કેબીનમાં અંદર ગોઠવેલા સ્પીકર દ્વારા મધુર સંગીત સાંભળવા મળે અને સાથે લાવેલો નાસ્તો અને દારૂની મોજ માણતા જાવ.  ચોતરફ ખુલ્લું  આકાશ, હજારો ફૂટ નીચે ધરતી પર લીલીછમ હરિયાળીની જાજમ બિછાવેલી દેખાય ત્યાપે ઊંચે આકાશમાં અધ્ધર લટકતી રોપ-વેની કેબીનમાં બેઠાં બેઠાં મનગમતીવાનગી અને મિત્રોની કંપની માણવાની લહેજત કંઈ ઓર હોય છે.

સિંગાપુરની કેબલ કાર તો  માઉન્ટ ફેબરથી સેન્ટોસા  આઈલેન્ડ વચ્ચે દરિયા પરથી પસાર થાય છે. પોણા બે કિલોમીટર લાંબો આ રોપવે વિશાળ સાગર પરથી પસાર થતી હોય ત્યારે સિંગાપુર શહેરનું રમણીય દર્શન કરી શકાય છે. નીચે બંદરમાં ઉભેલા અને આવ-જા કરતી અસંખ્ય સ્ટીમરો અને નાની બોટોની ગતિવિધિઓ પણ સ્પષ્ટ દેખાય છે. કોલ્ડ ડ્રીંક્સ, બીયર કે આઈસ્ક્રીમ ખાતા ખાતા આ રોપ-વેમાં આગળ સરકતા જઈએ તેમ નજીકનો રીઓ  આઈલેન્ડ પણ દેખાય છે.

વિદેશોમાં રોપ-વેને તેની રચના મુજબ કેબલ કાર, એરીયલ ટ્રામ, એવાં વિવિધ નામો અપાય છે. અમેરિકામાં રૂઝવેલ્ટ આઈલેન્ડ નામના ટાપુ પર એક અનોખો રોપવે છે. વાહનવ્યવહાર માટે શહેરની અંદરના અમુક સ્થળોને સાંકળી લેવા માટે  અમેરિકામાં પ્રથમ અને વિશ્વનો અજોડ એવો આ રોપ-વે એરીયલ ટ્રામ તરીકે વિખ્યાત છે. તેમાં એક સાથે ૪૦ વ્યક્તિઓ માત્ર પાંચ મિનિટમાં રૂઝવેલ્ટ આઈલેન્ડથી મેનહટ્ટન શહેર પહોંચી જાય છે.

સૌથી મોટો રોપવે  દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશના ટેલિફેરીકો મેરીડા શહેરમાં છે. પેકો એસ્વેન્જો નામના ૧૫,૬૨૦ ફૂટ ઊંચા પર્વતના શિખર સુધી જતો આ રોપ-વે સમુદ્રની સપાટીથી ૫,૩૭૯ ફૂટની ઊંચાઈએ આવેલા મેરીડા નામના સ્થળેથી શરૂ થાય છે. આખો રોપ-વે ચાર વિભાગમાં છે અને તેની કુલ લંબાઈ  આઠ માઈલ છે. ૨૩૦૦ હોર્સ પાવરની મોટર વડે ચાલતા આ રોપવેમાં ૩ કેબીન છે અને એક સાથે કુલ ૪૫ ઉતારુઓ એ કેબીનમાં ઉપર-નીચે જઈ શકે છે. દર દસ સેકંડે ૩૨ ફૂટની ગતિએ આગાળ ધપતી રોપ-વેની એ કેબીનમાં બેસીને ૧૫૦૦૦ ફૂટ ઊંચે જવાનો અનુભવ ખૂબ રોમાંચક ગણાય. જોકે આ રોપવેના બેઉ છેડે મોટા અક્ષરોમાં ચેતવણી આપી છે કે હૃદયની બીમારી  અને હાઈ બ્લડપ્રેશર ધરાવનારાઓએ આ રોપવેનો ઉપયોગ કરવો નહીં.

યુરોપનાં કેટલાંક દેશોમાં અમુક પહાડો પર વસેલાં ગામના લોકો રોજ નોકરી-ધંધા અર્થે રોપ-વે મારફતે પહાડ પરથી નીચે તળેટીનાં શહેરમાં જતા હોય છે. આખા દિવસનું કામકાજ પતાવીને પાછાં વળતાં તેઓ તેમની મોટર તળેટીમાં જ પાર્ક કરે છે અને ઘર સુધીનો બાકીનો રસ્તો રોપ-વે  મારફતે કાપે છે. કેટલાંક રોપ-વે મોટર ઉપર લઈ જવાની ક્ષમતા પણ ધરાવે છે. વિદેશોની સરખામણીમાં આપણા ગુલમર્ગ કે પાવાગઢના રોપ-વે કદાચ બાબાગાડી જેવા લાગે.

કાશ્મીરમાં ગુલમર્ગથી ખીલનમર્ગ વચ્ચેના  રસ્તાને સાંકળતો રોપ-વે 'ચેર લિફ્ટ'ના નામે ઓળખાય છે. આ રોપવે ૯૦૦ મીટરનું અંતર કાપે છે. બિહારમાં આવેલાં રાજગીરી નામના જૈન તીર્થસ્થળે ૪૦ વર્ષથી રોપવે ચાલે છે. છ પહાડોમાંથી એક પહાડ પર જવા માટેનો આ રોપવે સાડા સાત મિનિટમાં નીચેથી ઉપર પહાડની ટોચે લઈ જાય છે.

અત્યાર સુધી ગુલમર્ગ એશિયાનો સૌથી લાંબો રોપવે ધરાવવાનું માન ખાટી ગયું હતુ. હાલમાં મલેશિયાનો ગેન્ટિંગ  આઈલેન્ડ પરનો રોપ-વે એશિયામાં સૌથી લાંબો ગણાય છે. જમ્મુ-કાશ્મીર કેબલ કાર કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા ગુલમર્ગ ગંડોલા રોપવે પ્રોજેક્ટને પૂરો કરવા ૧૧ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.  ગુલમર્ગ-કાંગડોરી વચ્ચે અઢી કિલોમીટર લાંબો રોપવે નું વિસ્તરણ હાથ ધરીને આ રોપવેને ૧૩૦૦૦ ફૂટ ઊંચે આવેલા આફ્રાવત શિખર સુધી લઈ જવાયો છે. આ રોપવેનું વિસ્તરણ કામ પૂરું થયા પછી કાશ્મીરને કાંગડોરી અને આફ્રાવત નામના બે નવા હિલસ્ટેશન પ્રાપ્ત થયા છે. કાશ્મીર રાજ્ય સરકાર આફ્રાવતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું  મશહૂર હિલ સ્ટેશન બનાવવા ઈચ્છે છે. આફ્રાવતમાં એક બરફનું સરોવર છે જે જુલાઈમાં પણ થીજેલું રહે છે. આ સ્થળે આઈસ સ્કેટિંગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાય તો પુષ્કળ વિદશી સહેલાણીઓ અહીં આવતા થાય એજ રીતે  વૈષ્ણવો દેવી મંદિરના દર્શને જવા માટે પણ કટરાથી છેક ઉપર માતાના ધામ સુધી રોપ-વે  શરૂ  શરૂ કરવાની વાત થઈ રહી છે. હાલમાં ભવનથી ભૈરોંઘાટ સુધી રોપવે છેજ.

હવે તો  એવી  વાતો થાય  છે કે  ચારધામની યાત્રાનું કેન્દ્રબિંદુ ગણાતી કેદારનાથની યાત્રા આગામી દિવસોમાં ખુબ જ આસાન અને સરળ થઇ જશે. કેન્દ્ર સરકાર સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો એક રોપ વે બાંધવા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહી છે. ફક્ત કેદારનાથ જ નહીં પરંતુ શીખ ધર્મના અત્યંત પવિત્ર ગણાતા હેમકુંડ સાહેબ સુધી પહોંચવા માટેના રોપ વેનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરી લેવાયો છે. આ   રોપ વે તૈયાર થઇ ગયા બાદ તે વિશ્વના સૌથી લાંબા રોપ વેમાં સ્થાન પ્રાપ્ત કરી લેશે. આ રોપવેની લંબાઇ ૧૧.૫ કિલોમીટરની રહેશે અને ફક્ત ૨૫ મિનિટમાં જ સોનપ્રયાગથી કેદારનાથના મંદિરે પહોંચી જવાશે.

સમુદ્રની સપાટીએથી ૧૧,૫૦૦ ફૂટની ઉંચાઇએ આવેલા કેદારનાથના મંદિરે દર્શન કરવા જવા માટે હાલ ગૌરીકુંડથી ૧૬ કિલોમીટરની પદયાત્રા કરીને પહોંચી શકાય છે.

ગુજરાતમાં ૨૭૨૦ ફૂટની ઊંચાઈએ આવેલાં યાત્રાધામ પાવાગઢને પણ છેલ્લાં કેટલાંક વર્ષથી રોપ-વેની સુવિધા મળી છે. પાવાગઢ તરફ જનારા યાત્રાળુઓ ૧૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલાં માચી હવેલી સુધી તો વાહનો દ્વારા જઈ શકે છે. પણ આ સ્થળથી ટોચના શિખરે મહાકાળીના પ્રાચીન મંદિર સુધી તૂટેલાં પગથિયાં અને કેડીનો દુર્ગમ રસ્તો છે.  હવે તો માંચીથી મંદિર પરિસર સુધીનો ૧૧૦૦ મીટરની લંબાઈ ધરાવતો નવો રોપવે પણ તૈયાર થઈ રહ્યો છે.

આવી જ રીતે  યાત્રાધામ અંબાજીથી ગબ્બર સુધી જવા માટે ૧૯૯૮માં શરૂ કરવામાં આવેલો રોપ-વે  ઉષા બ્રેકો કંપનીએ જ સ્થાપ્યો હતો. કલકત્તાની આ કંપનીએ પાવાગઢ અને  અંબાજીમાં રોપવે શરૂ કર્યા પછી ગિરનાર માટેના  રોપવેનું કામ પણ તેને જ સોંપવામાં આવ્યું  હતું.  ગુજરાત સરકારે ગિરનારને પ્રવાસધામ બનાવવા છેક ૧૯૮૮માં રોપવે તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. 

મહારાષ્ટ્રને પણ ઉડણ ખટોલાનો મોહ લાગ્યો છે.  મુંબઈથી નજીકની એલિફન્ટા ગુફાઓ સુધી જવા માટે અત્યારે ફેરી જ એકમાત્ર વિકલ્પ છે. હવે ગેટ વે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા સુધી વિશ્વનો સમુદ્ર પરનો સૌથી લાંબો રોપ વે બનાવવાની વિચારણા ચાલી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એલિફન્ટા તરફના રોપવે સ્ટેશનને ગુફાથી એક કિમી દૂર રાખવા માગે છે. 

 મહાનગર મુંબઈનો અધધધ ટ્રાફિક  ઓછો કરવા નવા રોડ અને  જળ માર્ગો  પછી  હવે આકાશમાં  રસ્તો બનાવવાની  યોજના  અમલમાં મૂકાશે. કાંદિવલી (પ.)ના  મહાવીરનગર મેટ્રો સ્ટેશનથી   ગોરાઈના   પૈગોડા  સુધીનો ૭.૨ કિ.મી. લાંબો રોપવે  બનાવવાનું  સરકારે વિચારી રહી છે.  મુંબઈ  મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ રોપવ ે પ્રોજેકટનું  કામ જાન્યુઆરી ૨૦૨૩માં શરૂ કરી ૨૦૨૫ સુધીમાં  પૂરૂં કરવાનું  લક્ષ્ય રાખ્યું છે.  એ માટે  કોન્ટ્રાકટરની  નિમણૂકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. 

આ રોપવેના  બાંધકામ  પાછળ રૂ.૫૬૮ કરોડનો ખર્ચ થશે.  મહાવીરનગરથી ગોરાઈ પહોંચવા અત્યારે  લગભગ દોઢ કલાક  લાગે છે પરંતું  રોપવે બની ગયા બાદ  આ અંતર માત્ર  ૩૬ મિનિટમાં  કાપી શકાશે.   

  દક્ષિણ મુંબઈના મલબાર હિલ, ચોપાટી, એ નસીપીએ તેમ જ મલબાર હિલથી નરીમાન પોઇન્ટ વચ્ચે કેબલ કાર રોપવે શરૂ કરવાનું મહાપાલિકા વિચારી રહી છે.  મુંબઈમાં દેશ-પરદેશથી પર્યટકો આવે છે. અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજીનું ભવ્ય સ્મારક રચાવાનું છે. આ બાબત ધ્યાનમાં લઈને કેબલ કાર રોપવે નાખવાની યોજના વિચારાધીન છે. આથી દરિયા પરથી રોપવેમાં પસાર થઈ પર્યટકો અરબી સમુદ્રમાં વિહંગમ દ્રશ્યનો આનંદ માણી શકશે.

મહારાષ્ટ્રના  એક પ્રધાને જાવળી (તાલુકા મહાબળેશ્વર)થી પ્રતાપગઢ કિલ્લા સુધીનો ૫.૬ કિ.મી. લાંબો રોપવે બનાવવાનો નિર્ધાર કર્યો છે.  

આ તરફ  મહારાષ્ટ્રમાં રાયગઢ કિલ્લા સુધી લઈ જતો ૭૬૦ મીટર લાંબો રોપવે ખુલ્લો મુકાયા પછી માત્ર પાંચ મિનિટમાં આ કિલ્લા સુધી પહોંચી જવાનું શક્ય બન્યું છે. હિરકનવાડીથી શરૂ થતો આ રોપ-વે  ૪૨૦ મીટર ઊંચે પહોંચી કુલ ૭૬૦ મીટરનું  અંતર કાપી કિલ્લા સુધી પહોંચે છે. સીધા ડુંગર પર રચવામાં આવેલા આ કિલ્લા સુધી પહોંચવા ૧૪૦૦ પગથિયાનો લાંબો અને થકવી નાંખે તેવો પગપાળા પ્રવાસ કરવો પડતો હતો.  આ રોપવેના પ્રતાપે રાયગઢ કિલ્લાની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા  વધી છે. સાથે એ ડર પણ રહેવાનો કે વધુ પડતા લોકોના આવાગમનથી ઊંચા પહાડો પરના મથકોએ ગંદકી વધવાની.

આમ રોપ-વે  જ્યાં એક તરફ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ છે ત્યાં એક શક્યતા એ પણ છે કે ઊંચાઈ પર આવેલા ગિરિમથકોએ ટુરીસ્ટોની આવ-જા વધી જવાથી ગંદકી પણ વધશે. સહેલાણીઓની ફરજ બને છે કે સુવિધા પૂરી પાડતા રોપવેને લાભ લેતી વખતે એ ખ્યાલ રાખે કે તમે જે ગિરિમથકની મુલાકાતે જાવ છો તેનું નૈસર્ગિક સૌંદર્ય રોળી ન નાખતા. સમુહમાં જઈ, ટોળાશાહી આચરી હિલ સ્ટેશનને મચ્છી માર્કેટમાં  ફેરવી ન નાખતા

Post a Comment

0 Comments