આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
'જંગલ ન્યૂઝ'માં લાઈવ પ્રસારણ આવતું હતુંઃ 'નમસ્કાર! હું છું હસીના હરણી અને અમારી આજની વિશેષ રજૂઆતમાં આપ જોઈ રહ્યા છો જંગલના હવામાન વિભાગના અધિકારી ફ્રોગભાઈ ફોરકાસ્ટરનો વાર્ષિક અહેવાલ... ગણતરીની મિનિટોમાં ફ્રોગભાઈ ફોરકાસ્ટર અહેવાલ આપશે. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો...'
મહારાજા સિંહે વરસાદના વાર્ષિક અહેવાલનો હવાલો દેડકાસમાજને સોંપ્યો હતો. દેડકાસમાજમાં વરસાદની આગાહી માટે સૌથી કુશળ ગણાતા ફ્રોગભાઈ ફોરકાસ્ટર આખા વિભાગના ઉચ્ચ અધિકારી હતા. દર વર્ષે ચોમાસું બેસવાનું હોય તેના એકાદ સપ્તાહ અગાઉ ફ્રોગભાઈ ફોરકાસ્ટર તેમની આખી ટીમ સાથે જાહેરમાં દેખાતા. એ પહેલાં આખો દેડકાસમાજ જંગલની સરકારે નદી-તળાવ નજીક ફાળવેલા સરકારી આવાસોમાં રહીને વરસાદ બાબતે ઊંડો અભ્યાસ કરતો. જંગલમાં સરેરાશ વરસાદ કેટલો પડશે? કયા વિસ્તારમાં સૌથી વધારે, કયા વિસ્તારમાં સૌથી ઓછો પડશે? ભયાનક પૂરની શક્યતા કેટલી છે? દુકાળ પડવાની શક્યતા છે કે નહીં? આવા બધા સવાલોના જવાબો દેડકાસમાજને શોધવાના રહેતા. ફ્રોગભાઈ ફોરકાસ્ટરની સીધી દેખરેખ હેઠળ કુશળ, સાહસી, યુવા દેડકાઓ આખાય જંગલમાં ફરી વળતા. ઘણે સ્થળેથી તેમને હડધૂત કરીને કાઢી મૂકવામાં આવતા. એવા બનાવો છતાં વિવિધ સ્થળોએ થોડા દિવસ રહીને તેમની વિશેષ આવડતથી દેડકાઓ એ વિસ્તારનો અહેવાલ મેળવી લેતા.
આ બધા જ અહેવાલો એકઠા કરીને ફ્રોગભાઈ ફોરકાસ્ટર એમાં તેમનાં તારણો ઉમેરતા અને એમ વાર્ષિક અહેવાલ તૈયાર થતો. બધા દેડકાઓને આ કામ માટે જંગલની સરકારે હંગામી નોકરીએ રાખ્યા હતા. હંગામી ધોરણે નોકરી મેળવીને દેડકાઓ ખુશ થઈ જતાં. કાયમી નોકરીની અપેક્ષા છોડી દેતા. જંગલની સરકારને એ બાબત વધુ માફક આવતી. બેરોજગારોને કાયમી નોકરીએ રાખવાથી જંગલની તિજોરી પર ભાર આવતો. જંગલની તિજોરીમાંથી મોટાભાગની રકમ મહારાજા સિંહ અને તેમના દરબારીઓની સુખ-સુવિધા માટે વપરાતી. કાયમી ભરતી થાય તો સરવાળે સરકારને જ નુકસાન થતું. ટૂંકમાં, હંગામી નોકરીની પદ્ધતિ જંગલમાં બંને પક્ષે સ્વીકારી લેવાઈ હતી. હંગામી નોકરિયાત દેડકાઓને વર્ષમાં વરસાદના ચાર મહિનાનો પગાર મળતો. બાકીનો સમયગાળો વેકેશનનો સમય ગણાતો એટલે એ દરમિયાન કોન્ટ્રાક્ટ માન્ય રહેતો નહીં. દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ જતો એટલે ફરીથી બધા જ દેડકાઓ ચોમાસા પહેલાં કામે વળગી જતાં. ફ્રોગભાઈ ફોરકાસ્ટર કાયમી કર્મચારી હતા. તેમને વેકેશનમાં પણ પગાર મળતો. ફ્રોગભાઈ ફોરકાસ્ટરને જ્યારે વરસાદની આગાહી કરવાની ન હોય ત્યારે તેમની પાસેથી અન્ય બાબતોના ભવિષ્યકથનના અહેવાલો પણ મેળવવામાં આવતા. જેમ કે મહારાજા સિંહ દરબાર ભરીને બેસવાના હોય તે પહેલાં એ બેઠકનું વાતાવરણ ગરમ રહેશે કે માફકસરનું - તેનો અહેવાલ ફ્રોગભાઈ ફોરકાસ્ટરને આપવાનો રહેતો. આ કામ તેમની સ્કિલ પ્રમાણેનું નથી એ વાત ફ્રોગભાઈ પોતે સમજતા હતા, પણ સરકારના કાયમી કર્મચારી હોવાથી રાજા કહે એમ કરવું પડતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદના વાર્ષિક અહેવાલનો દિવસ આવી ગયો. અહેવાલ જાહેર થાય તે પહેલાં મહારાજા સિંહને બતાવવા જવાનો ક્રમ હતો. ફ્રોગભાઈ ફોરકાસ્ટર અહેવાલ લઈને મહારાજા સિંહના નિવાસસ્થાને જઈ આવ્યા હતા. મહારાજા સિંહે પૂરગ્રસ્ત વિસ્તારોની વિગતોને અહેવાલમાંથી હટાવવાનું સૂચન કર્યું હતું. વળી, જ્યાં વરસાદ સાવ ઓછો પડવાનો હતો એ વિસ્તારોને પણ એમાંથી બાકાત રાખવાની સલાહ આપી હતી. સરેરાશ વરસાદમાં થોડાંક ઈંચ ઉમેરી દેવાનું કહીને મહારાજા સિંહે ફ્રોગભાઈને જણાવ્યું હતુંઃ 'જંગલમાં ચોમાસું ધમાકેદાર રહેશે એવી જાહેરાત કરશો તો જંગલવાસીઓનો ઉત્સાહ જળવાઈ રહેશે'. મહારાજા સિંહનાં સૂચનો માન્ય રાખવા જ એવો કોઈ કાયદો ન હતો, પણ મોટાભાગના સરકારી અધિકારીઓ રાજાના સૂચનોને હુકમ જ ગણતા હતા. ફ્રોગભાઈએ પણ એ પરંપરા જાળવીને તરત જરૂરી સુધારા કરી દીધા.
સુધારા કરાવવા પાછળનો મહારાજા સિંહનો ઈરાદો ખૂબ જ ઉમદા હતા. રાજાનું માનવું હતું, કે ફ્રોગભાઈ જે વિસ્તારો માટે પૂરની આગાહી કરશે એ સાથે જ જે-તે વિસ્તારના જંગલવાસીઓ સરકાર પાસેથી વિશેષ પેકેજની માગણી કરશે. એ જ રીતે જ્યાં વરસાદ ઓછો પડવાનો છે ત્યાં અત્યારથી જ પાણીની અછતની ફરિયાદો થવા માંડશે. જંગલવાસીઓ આવી અયોગ્ય રજૂઆતો કરે તે મહારાજાને બહુ પસંદ પડતું નહીં. તેઓ દીર્ઘદૃષ્ટિ વાપરીને દર વર્ષે એ બાબતો ચોમાસાના વાર્ષિક અહેવાલમાંથી હટાવી દેતા.
મહારાજા સિંહે અહેવાલને લીલી ઝંડી આપી એ સાથે જ તેમની આખી ટીમને લઈને ફ્રોગભાઈ ફોરકાસ્ટર જંગલના મીડિયા સમક્ષ હાજર થયા. મીડિયાએ ફ્રોગભાઈ ફોરકાસ્ટરના અહેવાલનું લાઈવ પ્રસારણ શરૂ કર્યું. બ્રેકિંગ ન્યૂઝ અને ફ્લેશ ન્યૂઝનો સિલસિલો શરૂ થયો.
'આપ સૌનો ખૂબ ખૂબ આભાર,' મીડિયા પ્રતિનિધિઓનો આભાર માનીને હવામાન વિભાગના વડા ફ્રોગભાઈ ફોરકાસ્ટરે આગળ ચલાવ્યુંઃ 'મહારાજા સિંહની પ્રેરણાથી અને જંગલની સરકારના સમર્થનથી તૈયાર થયેલા અહેવાલ મુજબ આ વર્ષે....' ફ્રોગભાઈએ થોડાંક કાગળો ઉથલાવ્યાઃ 'જંગલમાં સરેરાશ વરસાદ સારો થશે'
આ એક વાક્યથી જ આખાય જંગલમાં ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો. સમાચાર ચેનલ 'જંગલ ન્યૂઝ'માં આ કાર્યક્રમ લાઈવ જોનારા પ્રાણી-પંખીઓ તો ડાન્સ કરવાં લાગ્યાં. યુવાપેઢીમાં પોપ્યુલર એપ 'એનિમલ અપડેટ્સ'માં બ્રેકિંગ ન્યૂઝ આવ્યા એ પછી તો સોશિયલ મીડિયામાં પણ અહેવાલની ચર્ચા થવા માંડી. 'ફ્રોગભાઈ ફોરકાસ્ટર', 'રેઈન', 'એન્યુઅલ રિપોર્ટ', 'દેડકાસમાજ' જેવા હેશટેગથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બન્યો.
'અલગ અલગ વિસ્તારો પ્રમાણે ક્યાં, કેટલો વરસાદ થશે તેની વિગતો મારા સાથીઓ આપશે,' ફ્રોગભાઈ ફોરકાસ્ટરે ટીમના અન્ય દેડકાઓ તરફ નજર નાખી.
'ડ્રાઉઉઉઉ' એક દેડકાએ તેની ભાષામાં જણાવ્યું.
'ટર્ટર.. ટર્ટર.. ટર્ટરટર્ટર' બીજા દેડકાંએ પણ અવાજ કાઢ્યો.
આ અહેવાલો દેડકાઓની પરંપરાગત બોલીમાં હતા એટલે જે-તે વિસ્તારના દેડકાઓને જ એ સમજાયા હતા. એ બોલી જાણતા દેડકાઓને અન્ય પ્રાણી-પંખીઓ એનો અર્થ પૂછવા લાગ્યાં હતાં, પણ ત્યાં સુધીમાં તો 'જંગલ ન્યૂઝ'માં અનુવાદકોને બેસાડી દેવાયા હતા. જંગલની સમાચાર ચેનલો એ બાબતે બહુ સતર્ક હતી, જંગલની સરકારનું બજેટ કે એવું કંઈક હોય ત્યારે અનુવાદકો તેમને આવડે એવા અનુવાદો તુરંત કરી દેતા હતા અને જંગલવાસીઓને સમજાવી દેવાતા હતા.
થોડી મિનિટો પછી ફ્રોગભાઈ ફોરકાસ્ટરની ટીમના બધા જ દેડકાઓ એકી અવાજે બોલ્યે જતા હતાઃ 'ડ્રાઉઉઉઉ... ટ્રાઉઉઉઉઉ... ટર્ટર.. ટર્ટર.. ટર્ટરટર્ટર... '
ફ્રોગભાઈ ફોરકાસ્ટર બોલતા હતાઃ 'રિપીટ્ટ.... રિપીટ્ટ....'
જવાબમાં બધા જ દેડકાઓ અવાજો કાઢતા હતાઃ 'ટર્ટર, ટર્ટર, ટર્ટરટર્ટર... ડ્રાઉઉઉઉઉ.... ટ્રાઉઉઉઉઉ...'
ચેનલોમાં અનુવાદકો પણ એટલી જ ત્વરાથી ભાષાંતર કરતા હતા. જંગલવાસીઓ એમાંથી સમજાય એટલું સમજવાની કોશિશ કરતા હતા. અડધાએક કલાક સુધી આવું ચાલ્યું.
આખરે ફ્રોગભાઈ ફોરકાસ્ટરે ટીમને શાંત થવાનો ઈશારો કર્યો અને વરસાદનો વાર્ષિક અહેવાલ પૂરો થયો હોવાની જાહેરાત કરતા કહ્યુંઃ 'મહારાજ સિંહના સુશાસનમાં જંગલમાં વરસાદ સારો પડશે એમાં કોઈ શંકા નથી. હેપ્પી મોનસૂન!'
કાર્યક્રમમાં હાજર રહેલા જંગલના મીડિયા પ્રતિનિધિઓએ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ અંગેના સવાલો પૂછવાની કોશિશ કરી જોઈ, પરંતુ ફ્રોગભાઈ ફોરકાસ્ટરે વધુ જાણકારી આપવાનો ઈનકાર કરતા માત્ર આટલું કહ્યુંઃ 'એ બાબતે જંગલની સરકાર જરૂર જણાશે ત્યારે જાણકારી આપશે. વરસાદનો સંપૂર્ણ લેખિત અહેવાલ થોડીવારમાં વેબસાઈટમાં મૂકાશે ત્યાંથી બધાને મળી જશે'
જંગલના સોશિયલ મીડિયામાં, જંગલની સમાચાર ચેનલોમાં, અખબારોમાં અને ન્યૂઝ એપ્સમાં દિવસભર ફ્રોગભાઈ ફોરકાસ્ટરનો એકનો એક અહેવાલ રજૂ થતો રહ્યો. ફ્રોગભાઈએ કેટલી મિનિટ સુધી અહેવાલ આપ્યો અને અગાઉના રેકોર્ડ્સ શું હતા? - તેની ફેક્ટ ફાઈલ ચેનલોની હેડલાઈન્સમાં જોવા મળતી હતી. ચેનલોમાં બેસાડાયેલા નિષ્ણાતો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક તરફના નિષ્ણાતો - જે મહારાજા સિંહના સમર્થક હોવાની છાપ ધરાવતા હતા - તેઓ જણાવતા હતાઃ 'ફ્રોગભાઈ હવામાન વિભાગના અધિકારી તરીકે ઉજળો રેકોર્ડ ધરાવે છે. તેમના અહેવાલમાં કોઈ શંકા હોતી નથી. જંગલમાં સરેરાશ વરસાદ ખૂબ સારો થશે. કોઈ વિસ્તારમાં પૂર કે દુકાળની સ્થિતિ સર્જાય એવો ઉલ્લેખ નથી એટલે ચિંતા કરવાનું કોઈ કારણ નથી'.
મહારાજ સિંહના કટ્ટર ટીકાકારો ગણાતા નિષ્ણાતો અહેવાલને વખોડતા હતા. વરસાદ બાબતે પોતાને દેડકાઓ કરતા વધુ સારી જાણકારી છે એવું માનતા ઉલ્લુભાઈ ઉડઝૂડિયાએ તો આ અહેવાલને જ અધકચરો ગણાવ્યો હતો. ઉલ્લુભાઈએ ઉલ્લુઓ પાસે તૈયાર કરાવેલા અહેવાલો પણ રજૂ કર્યા હતા, જેમાં કેટલાક વિસ્તારોમાં પૂરની શક્યતા હોવાથી સરકારે રાહત પેકેજ આપવાની માગણી થઈ હતી.
નિષ્ણાતોની ડિબેટથી થાકેલા જંગલવાસીઓ આખરે દિવસના અંતે વરસાદ સારો થશે એમ માનીને; ચેનલો, એપ્સ બધુ જ બંધ કરીને વરસાદની આશાએ ઊંઘી ગયા. બીજા દિવસે તો ટીવી ચેનલોમાં મહારાજ સિંહની એક રેલીનું લાઈવ પ્રસારણ ચાલતું હતું એટલે હવામાન વિભાગનો અહેવાલ ભૂલાઈ ચૂક્યો હતો!
0 Comments