માત્ર 2 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો ?
કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નલિયામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબોળની સ્થિતિ જોવા મળી રહી છે. તો અબડાસામાં પણ સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે કચ્છના નલિયા, અબડાસમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે ભુજની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ?
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છમાં વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં નલિયામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નલિયામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ જોવા મળી છે. ભુજ અને ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં અબડાસામાં પણ સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નલિયા અને અબડાસામાં ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
લોકોને ભારે નુકસાની વેઠવી પડી ?
ભારે પવન સાથે વરસાદના કારણે રાપરના જેસડા ગામમાં મકાનના છાપરા ઉડી ગયા છે. જેસડા ગામના વાડી વિસ્તારમાં મકાનના છાપરા ઉડી જતાં લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. સાથે જ ખેતરો પણ બેટમાં ફરવાયા છે. અબડાસામાં ધોધમાર વરસાદના કરાણે નાનીબેર ગામનો વિજોડા ડેમ ઓવરફ્લો થયો છે. નાની સિંચાઈનો વિજોડા ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
નરેડી ગામની નદી બે કાઠા વહેતી થઈ ?
ધોધમાર વરસાદના કારણે અબડાસાના નરેડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને કારણે નરેડી ગામનો સંપર્ક કપાયો છે. નરેડીથી ગઢશીશા, હિગરીયા તેમજ ચિયાસરનો માર્ગ પર પાણી ભરાયા છે. જેના કારણે આ રસ્તો બંધ થઈ ગયો છે. ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. હમીરસર તળાવ ઓવરફ્લો થતા સ્કૂલોમાં એક દિવસની રજા જાહેર કરાઈ છે.
ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ ?
કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લા વિવિધ ડેમ ઓવરફ્લો થયા છે. ભુજ નજીક આવેલો ગજોડ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટી ભુજપુર, ગેલડા, બેરાજા, રામાણીયા, તુંબડી નાની સહિતના ગામને એલર્ટ કરાયા છે.
0 Comments